ભારતના ઐતિહાસિક નગરોમાં ધોળકાનું સ્થાન આગવું છે. જો કે ધોળકાની સ્થાપના કયા વર્ષમાં થઈ તે વર્ષની આધારભૂત માહિતી મળતી નથી. પરંતુ એક માન્યતા એવી પ્રવર્તે છે કે મહાભારતમાં વિરાટનગર નામે જે નગરનો ઉલ્લેખ છે તે આજનું અર્વાચીન ધોળકા છે.
ધોળકાના પ્રાચીન મંદિરોમાં બ્રહ્મા અને વરાહ ભગવાનની મૂર્તિઓનું અવલોકન કરતાં એમ જણાય છે કે આ નગર છઠ્ઠા સૈકામાં વસ્યું હશે. ’કથાસરિતા સાગર’ માં ધવલ નામના નગરનો જે ઉલ્લેખ જોવા મળે છે તે આજનું ધોળકા હશે એમ પણ મનાય છે.
૧રમી સદીમાં ગુજરાતમાં વાઘેલા વંશના શાસન દરમ્યાન ધોળકાની જાહોજલાલી હતી. ગુજરાતના પાટનગર પાટણ પછી ધોળકા વાઘેલા શાસનનું બીજું પાટનગર ગણાતું હતું. પ્રખ્યાત રાજા સિધ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હોવાની વાત સૌ જાણે છે.